મહાન છતાં તૃણ કરતા પણ ફોરું રહેવું…

કોઈ વ્યક્તિએ જયારે જીવનમાં કોઈપણ ક્ષેત્રે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હોય ત્યારે તે વ્યક્તિ તે ક્ષેત્રમાં મહાન ગણાતી હોય છે. જેમ જેમ વ્યક્તિની નામનાં વધતી જાય અથવા તો કોઈ ઉચા પદની પ્રાપ્તિ થતી જાય, તેમ તે વ્યક્તિના અંતઃકરણમાં અહંનું બીજ ફુટી નીકળી અને વટવૃક્ષ સમું વ્યાપક બનતું જાય છે. પોતાના વ્યક્તિત્વને લાગેલા ‘મહાન’ ના લેબલનો ભાર એના જીવનમાં જરૂર જણાતો હોય છે. તેમનો એ અહંભાવ કોઈક પ્રસંગે તો જરૂર બહાર ઉછળી આવે છે. પરંતુ, પ.પુ. પ્રમુખસ્વામી મહારાજનું જીવન નિહાળીએ ત્યારે ખ્યાલ આવે કે ‘મહાન હોવા છતાં તૃણ કરતા પણ ફોરું રહેવું શક્ય છે’. એમના જીવનસાગરમાંથી અલ્પ પ્રસંગો જોઈએ, જે સ્વામીશ્રીના આ ગુણનો અનુભવ કરાવશે.

યોગીજી મહારાજના સમયની આ વાત છે –
કોઈ ઉત્સવ-સમૈયા પ્રસંગે હરિભક્તોએ રસોઈની સેવા કરી હતી. શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ (પ્રમુખસ્વામી) રસોડામાં આવ્યા અને હરિભક્તોને જમાડવા માટે ત્યાં પડેલા માલપુઆની થપ્પીઓ એક વાસણમાં ભરવા લાગ્યા, ત્યાં તો રસોઈ બનાવનાર માં’રાજ આવ્યા અને બોલી ઉઠ્યા.. અરે, આ શું કરો છો? તમને કોને કીધું આ માલપુઆ લેવાનું અહિયાથી? સ્વામીશ્રી વિનમ્ર ભાવે બોલ્યા કે જે હરિભક્તોની રસોઈ છે તે હરિભક્તોને જમાડવાના છે તેઓ બહાર જમવા બેસી ગયા છે. માં’રાજ તો એક નો બે ના થયો અને બોલ્યો, પેલા ભંડારીને પૂછી આવો જો તેઓ હાં પડે તો લઇ જજો, અને તે પહેલા તો તમે જે આ એક થપ્પી ઉપાડી છે તે પણ પછી મૂકી દો…

સંસ્થા પ્રમુખ હોવા છતાં પણ સામાન્ય રસોયા સામે એક શબ્દ પણ ન ઉચ્ચારવો તે એક જબરો ગુણ છે. તેમના સ્થાને આપણે હોઈએ તો તે માં’રાજ ને પિંક-સ્લીપ આપી અને ઘરે રવાના કરી દીધો હોત.

બીજો પ્રસંગ યાદ આવે છે ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદનો હુમલો થયો ત્યારબાદ – એક બારીની પાસે નક્શીકામમાં ગોળી વાગવાથી થોડું નુકશાન પહોચેલું. સ્વામીશ્રી અને બીજા સંતો આ સ્થાનનું નિરીક્ષણ કરતા હતા. અચાનક એક સેવક બારી બંધ કરી, તેમણે ખ્યાલ ના રહ્યો કે સ્વામીશ્રીની આંગળીઓ બારીની અંદરની બાજુ છે. બારી બંધ થવાથી સ્વામીશ્રી એક આંગળી દબાઈ, થોડી ચામડી કાપી જવાથી લોહી પણ નીકળ્યું. સાથે ઉભેલા સંતે તરતજ પોતાના ગાતળયાથી સ્વામીશ્રીની આંગળી દબાવી રાખી. થોડીવારમાં એક સેવક ફર્સ્ટ-એઇડ કીટ લાવ્યા અને વ્યવસ્થિત પટ્ટી લગાવી. સાથે ઉભેલા સંતે કહ્યું, સ્વામી – બારી બંધ થવાથી આપને દુઃખ પહોચ્યું. સ્વામીશ્રી તરત બોલ્યા, અહીં આતંકવાદનો હુમલો થવાથી કેટલાને દુઃખ પહોચ્યું છે, દુઃખ તો બધાને આવે…

પ્રસંગ સામાન્ય લાગે, પણ જો થોડું ઊંડાણ પૂર્વક વિચારીએ તો સ્વામીશ્રીના અનેક ગુણોનો ખ્યાલ આવે. સ્વામીશ્રીએ પૂછ્યું નહિ કે કોને બારી બંધ કરી’તી? ના તો કોઈ ગુસ્સો જતાવ્યો.

તેમના ચરણોમાં એજ પ્રાર્થના રહેશે કે એમનો આ ગુણનો અંશ આપણામાં પણ આવે…

Advertisements